મન મેરા પંખી ભયા, જહાં તહાં જાય,
જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફળ ખાય.
મારૂં મન એ એક પક્ષી જેવું છે, એ જ્યાં ત્યાં ઉડતું ફરે છે, જેમ પંખી સારા કે નરસા ઝાડ પર બેસે તે મુજબ તેને ફળ ખાવા મળે છે, તેમ મનને સંતપુરૂષની સંગતથી આત્મ જ્ઞાન પ્રાપ્ત થશે અને કુસંગથી ભવના ચક્કરમાં આંટા ફેરા કરશે.
મન માતા મન દુબલા, મન પાની મન લાય,
મનકો જૈસી ઉપજે, મન તૈસા હો જાય.
મનથી માણસ માતેલા સાંઢ જેવો અભિમાની બને છે, મનથી માણસ પેટ ચોળીને દુઃખ ઉભું કરી દુબળો થઈ જાય છે, મનથી માણસ એને જે જોઈએ તેનો આગ્રહ હોય તે ન મળતા અગ્નિ જેવો ક્રોધી થાય છે. અને મન થકી જ માણસ સર્વ બાબતમાં સમતોલ રહી જળ એટલે પાણીની જેમ ઢંડો રહે છે. તેથી મન ઉપર કાબુ રાખી તેને સત્યના રસ્તે વાળશો તો તે શાંત થશે. અને તેને મન ફાવે તેમ રવડવા દેશો તો ઉપર કહ્યું તેવું થશે.
મન મરકટ બન બન ફિરે, કછું નેક ન ઠહેરાય,
રામ નામ બાંધા બિના, જીત ભાવે તિત જાય.
મન મરકટ એટલે વાંદરા જેવું વને વન એટલે જ્યાં ફાવે ત્યાં ફરતું રહે છે. જરા વાર પણ સારા વિચારમાં ઠરતું નથી. એને રામ નામના જાપ વડે બાંધશો, નહિં તો એ ઠામ ઠેકાણા વગરનું ગમે ત્યાં ભટકતું ન કરવા જેવું તારી પાસે કરાવશે.
મન મરકટ મન ચાતુરી, મન રાજા મન રંક,
જો મન હરજીકો મિલે, તો હરજી મિલે નિશંક.
મન એ વાંદરા જેવું પણ બની શકે, મન ડાહ્યું થઈ ચતુરાઈથી પણ વર્તી શકે, મન ધારે તો માણસને રાજા બનાવે અને મન જ એને રંક એટલે ગરીબ પણ બનાવે છે. જો મન હરજી અર્થાત પરમાત્માને મળવા નિશ્ચય કરે તો કોઈ પણ શંકા વિના તે પરમાત્માને જરૂર મળે. મન એટલે જ જીવ, તે ધારે તો શિવ સાથે એક થઈ શકે.
મન પંખી બિન પંખકા, લખ જોજન ઉડ જાય,
મન ભાવે તાકો મિલે, ઘટમેં આન સમાય.
મન એવું પંખી છે કે જેને પાંખો નથી, છતાં હજારો ને હજારો કિલોમિટર સુધી વગર ઉડ્યે પહોંચી જાય છે. અને અશક્યને મેળવવાની ચેષ્ટા કરે છે. પણ એ જ મન જો હરિને મળવાનો નિશ્ચય કરે તો એને એના શરીરમાં રહેલો જણાય આવશે.
સાત સમુદ્રકી એક લહર, ઓર મનકી લહેર અનેક,
કોઈ એક હરિજન ઉબરા, ડુબી નાવ અનેક.
સાત સમુદ્રના મોજાં એક જાતના હોય છે, જ્યારે મન એ જાતે ઉભા કરેલા તરેહ તરેહના મોહ મમતાના મોજાં ઊંચે નીચે આજુ બાજુ બધી દિશાઓમાં અથડાય છે. મનથી ઉભા કરેલા ભવસાગરમાં ગણ્યા ગણાય નહિં તેટલા લોકો ડુબી ગયા અને ડુબી રહ્યા છે. તેમાંથી કોઈ એકાદ વિરલ હરિનો સંતજન ઉગરી ગયો છે.
મનકા બહોત રંગ હય, તલ તલ જૈસા હોય,
એકા રંગ જો રહે, તો કોટી મધે કોય.
જેમ તલની ગુણમાં ભરેલા તલ ગણી શકાય નહિં તેમ મનના ઘણા જ રંગ હોય છે એટલે તરેહ તરેહના ગણી નહિં શકાય તેટલા વિચારો કરતું હોય છે. તે એકમાં પણ ઠરીને બેસતું નથી. જેનું મન એક પરમાત્મામાં જ ઠરીને બેસતું હોય, તેવા તો કરોડોની વચ્ચે એકાદ જ હોય છે.
કબૂ મન ગગન ચઢે, કબૂ જાય પાતાળ,
કબૂ મન વરકતા દિસે, કબૂ પાડે જંજાળ.
મન કોઈ વાર પાતાળમાં જાય, એટલે કે નીચા ખરાબ વિચારો કરે છે. કોઈ વાર તે ન કરવા જેવું કરી મોટી જંજાળમાં ફસાય છે, કોઈ વાર તે આસમાને ચઢે છે, અર્થાત્ ઉંચે ચઢવાના વિચાર કરે છે. અને કોઈ વાર એને ચોખ્ખું કરવાથી વિરક્ત થતું પણ જણાય છે.
મનકે હારે હાર હય, ઔર મનકી જીતે જીત,
પરબ્રહ્મ જો પાઈએ. તો મનહી હોય પ્રતિત.
મન જાતે જાત જાતનાં વિષયોમાં લપેટાઈ દુઃખી થઈ હારી જાય છે. અને મન જો પોતાના પર મજબુત કાબુ રાખી વિષય વિકારોથી દુર રહે તો એની જીત છે. પરબ્રહ્મની પ્રાપ્તિ પણ એવા જીતાયેલા મન વડે જ પ્રતિત થાય છે. એટલે કે મન થકી જ તેની ગમ પડે છે.
કબીર! મન તો એક હય, ભાવે તહાં બિલમાય,
ભાવે હરિ ભક્તિ કરે, ભાવે બિષ કમાય.
કબીરજી કહે! મન તો એક સત્વ છે. તેને જે તરફ લઈ જાવ ત્યાં તે વિરમે છે. એને બુરા વિષયો તરફ લઈ જાવ તો તે ઝેર જેવી બુરી આદત કમાશે, અને તે ભક્તિ ભાવ તરફ ઢળશે તો પરમાત્મા મેળવશે.
કોટ કરમ પલમેં કરે, એ મન બિખ્યા સ્વાદ,
સતગુરૂ શબ્દ માને નહિ, જનમ ગમાયા ખાદ.
સદગુરૂ જે સત્ય વસ્તુ સમજાવીને કહે તેને માને નહિં અને મનને જ્યાં ત્યાં વિષયોમાં લોલુપ રાખી કરોડો ન કરવા જેવાં કર્મો કરી, આ મળવો મુશ્કેલ એવો મનુષ્યનો અવતાર ગુમાવી દે છે.
કબીર! મન બિકારે પડા, ગયા સ્વાદ કે સાથ,
ગુટકા ખાય બજારકા, અબુ ક્યું આવે હાથ.
કબીરજી કહે! ઈન્દ્રિયોના રસભરેલા સ્વાદમાં ભેરવાઈ મન જે શુદ્ધ સત્વ હતું, તે વિકારી અર્થાત્ અશુદ્ધ થઈ ગયું. જાણે કે બજર એટલે તમાકુનો ભુકો ખાય, જેમ સારાસારના વિચાર વિનાની સ્થિતી થાય, તેવું થઈ જાય પછી તે કેમ કરીને હાથમાં આવે?
પહેલે રાક ન જાનિયા, અબ ક્યું આવે હાથ,
પડ ગયા રાતા ધુરા, બેપારીઓ સાથ.
પહેલેથી મન ઉપર કાબુ રાખવો જોઈએ, તે કાબુ તેં રાખી જાણ્યો નહિં. પછી ઈંદ્રિયોના વેપારમાં મશગુલ થઈ તે ઈન્દ્રિઓની સાથે ઊંડા લોહીના રાતા કુવામાં જઈ પડ્યું, હવે તે કમ કરીને તારા હાથમાં આવશે?
મન સબ પર અસ્વાર હય, પીડા કરે અનન્ત,
મનહિ પર અસ્વાર રહે, કો એક બિરલા સંત.
મન બધા ઉપર સ્વારી કરે છે, બધા જ મનના આધારે વર્તી અનેક પ્રકારનાં વિષયોમાં ખેંચાઈ દુઃખી થાય છે. એ તો કોઈક વિરલ સંત પુરૂષ જ મન ઉપર સવારી કરે છે. એટલે કે તેને પોતાના તાબામાં રાખે છે.
કબીર મન મરતક ભયા, દુર્ભળ ભયા શરીર,
પેંડે લાગા હરિ ફિરે, યું કહે દાસ કબીર.
કબીરજી કહે! મન જ્યારે મરી જાય એટલે કે બહાર ભમતુ અટકી જઈ શાંત સ્થિર થાય, ત્યારે શરીરનું પણ ભાન નહિં રહેવાથી, તેને માટેનું અભિમાન ચાલી જવાથી, હરિ-ભગવાન પણ તારી પાછળ પાછળ ફરશે. એટલે કે તારૂં ધ્યાન પરમાત્મામાં જોડાઈ રહેશે. એમ હું કબીરદાસ કહું છું.
મન પાની કી પ્રીતડી, પડા જો કપટી લોન,
ખંડ ખંડ હો ગયા, બહોર મિલાવે કોન?
પાણી જેમ તાપના વખતે બહુ જ વહાલું લાગે છે, તેમ મન તો સત્વ પ્રેમ સ્વરૂપ છે. પાણીમાં જેમ ઘણું લુણ એટલે મીઠું નાંખવાથી બગડી જાય છે, તેમ મનમાં જો મોજ મજા ભોગવવાના વિષયોની વાસના ઘુસાડી દીધી, તો જેમ પાણીમાંથી મીઠું કાઢવું મુશ્કેલ છે. તેમ મનને ફરી પાછું વિષય વાસનાથી કોણ છોડાવશે?
કાગજ કેરી નાવડી, ઔર પાની કેરા ગંગ,
કહે કબીર કૈસે તિરૂં, પાંચ કુસંગી સંગ.
કબીરજી કહે! તું પાંચ ખોટા સાથીઓનો સંગાત કરી, કાગળની હોડીમાં બેસી ગંગા નદીનાં પાણીને કેમ કરી પાર થશે. અર્થાત મનને વિષયો ભોગવવા વાળી પાંચ ઈંદ્રિયોને બહેકાવવાનો જે ચસકો લાગેલો છે, તેની સાથે તું આ ભવસાગરને કેવી રીતે પાર કરી શકશે?
સાંધે ઈંદ્રિય પ્રબલકો, જઈસે ઉઠે ઉપાધ,
મન રાજા બહેકાવતે, પાંચો બડે અસાધ.
ઈંદ્રિયો પ્રબળ એટલે જ્યારે તેના જોર જુસ્સાથી તને વિષયો તરફ ખેંચી જવા માગતી હોય ત્યારે મન વડે તેને કાબુમાં લઈ લેવી જોઈયે. તેને બદલે મન રાજા પણ તેને ઉલટાની વધારે બહેકાવે એટલે કે તેને ઉત્તેજન આપે તો પછી તેને કાબુમાં લેવી અસાધ્ય છે. એટલે કે બની શકે જ નહિ.
કાયા દેવળ મન ધજા, બિષય લહેર ફિરાય,
મનકે ચલતે તન ચલે, તાકા સર્વસ્વ જાય.
મનુષ્યનું શરીર એ એક દેવળ છે, દેવળની ટોચ પર જે ધજા છે તે મન છે. જેમ પવનની લહેરથી વાવટો ઉડતો રહે છે, તેમ વિષયોના ખેંચાણથી મનની ધજા પણ ઉડવા લાગી તે દેવળ સરખા શરીરને તેમાં ખેંચી જશે તો તેનું સર્વસ્વ જતું રહેશે, એટલે પરમાત્માએ આપેલી પોતાના ખરા પોતને ઓળખવાની બુદ્ધિ જતી રહેશે.
મન ચલે તો ચલને દે, ફિર ફિર નામ લગાય,
મન ચલતે તન થંભ હય, તાકા કછુ ન જાય.
મન વિચારોમાં ચાલી જતું હોય તો ભલે ચાલી જાય, તેનાથી નહિં કંટાળતા તેને ફરી ફરી પકડી પરમાત્માના નામના જપમાં જોડતાં રહેવું. એમ મન સ્થિર થતાં તન પણ શાંત સ્વસ્થ થાય, તો પછી તારૂં કશું પણ બગડશે નહિં.
મન ગયા તો જાને દે, મત જાને દે શરીર,
બિન ચિલ્લે ચઢિ કમાન, કિન બિધ લાગે તીર.
મન સંસારી તથા વિષયો વગેરેના વિચારોમાં ચાલી જતું હોય તો ભલે જતું, પણ તેને ત્યાં જ પકડી તેને શરીર અને ઈંદ્રિયોનો ઉપયોગ કરવા દેવું નહિં. એ એવું થશે કે જાણે ધનુષની કમાન પર તીર ચઢ્યા વગર તે તીર કેવી રીતે કોઈને વાગવાનું હતું. અર્થાત્ એમ મન પર કાબુ રાખતાં રાખતાં તેને સ્થિર શાંત થતાં વાર નહિં લાગે.
મન મનતા મન મારરે, રાખો ઘટમેં ઘેહેર,
જબહિ ચાલે પુંઠ દે, તો અંકુશ દે દે ફિર.
જેમ મહાવત હાથીને અંકુશ મારી મારી તેને આડો અવળો ભાગી જતાં અટકાવે છે. તેમ જ્યારે પણ મન તેનું ધારેલું કરવા ધમ પછાડા કરે ત્યારે તું તેના ઉપર કાબુ મુકી તારા શરીરનો ઉપયોગ કરવા દઈશ નહિં. એમ કરતાં કરતાં તે સ્થિર રહેતાં શીખી જશે.
યા મન અટક્યો બાવરો, રાખો ઘટમેં ઘેહેર,
મન મમતામેં ગલ ચલે, તો અંકુશ દે દે ફેર.
તને લાગશે કે મેં મનને અટકાવી શરીરમાં તેને ઘેરી રાખેલું છે. છતાં તને થાપ આપી પાછું માયા મમતામાં ચાલી જાય, તો જેમ હાથીને અંકુશથી કાબુમાં રખાય છે , તેમ તેને ફરી કાબુમાં રાખવાની ટેવ પાડવી પડશે.
મેરા મન મકરંદ થા, કરતા બહુ બિગાર,
અબ સુધા હો મારગ ચલા, હરિ આગે હમ લાર.
મારૂં મન એક હરામખોર વાંદરા જેવું હતું, અને તે ઘણો જ બગાડ કરતું હતું. તેને કેળવતા તે શુદ્ધ થઈ સત્યના રસ્તે ચાલતું થઈ ગયું છે. અને તેને લીધે હવે હરિ મારી આગળ ચાલે છે, અને હું પાછળ ચાલું છું. એટલે કે મારા મનમાં પરમાત્મ-જ્ઞાનનાં જ વિચારો ચાલતા હોય છે.
મન મારી મેંદા કરૂં, તનકી પાડું ખાલ,
જીભ્યાકા ટુકડા કરૂં, જો હરિ બિન કાઢે સ્વાલ.
જો મારાં તન મન પરમાત્મા શિવાયનો બીજો વિચાર કરશે, તો હું મારા મનનો મેંદા જેવો ભુકો કરીશ. અને જો તેના બુરા વિચાર વર્તવા બદલ મારા શરીરની ચામડી ઉતારી દઈશ અને તેના આદેશ મુજબ વાણીને વાપર્યા બદલ જીભના કાપીને ટુકડા કરીશ.
મન દિયા ઉને સબ દિયા, મનકી ગેલ શરીર,
તન મન દે ઉબરન ભયેં, હરિકો દાસ કબીર.
જેણે સદગુરૂને મન સોંપી દીધું, એણે એનું સર્વસ્વ સોંપી દીધું. કેમકે મનના જેવા વિચાર તે મુજબ શરીર વર્તે છે. તેથી કબીરજી કહે છે કે હું તો તન મન સોંપી નિરાંતવો થઈ, ઉંચા સ્થાને પહોંચી, પરમાત્મા સ્વરૂપ બનેલો એવો હું હવે હરિનો દાસ છું.
જો તન માંહિ મન ધરે, મન ધર નિર્મળ હોય,
સાહેબસોં સનમુખ રહે, તો ફિર બાળક હોય.
જો તું તનનો ઉપયોગ કરતાં પહેલાં મન પર કાબુ રાખી શકે તો તેવા નિર્મળ મન વાળો બનવાથી એટલે કે તને પવિત્ર વિચારો જ આવવાથી તું શરીરને સારા કાર્યોમાં વાપરી શકીશ. અને તેવો શુદ્ધ બનેલો તું પરમાત્માની સનમુખ થઈ જઈશ. અર્થાત્ પરમાત્મા સ્વરૂપમાં સ્થિર થશે. અને ત્યારે તું નિર્દોષ બાળક જેવો થશે.
તનકુ મન મિલતા નહિ, તો હોતા તનકા ભંગ,
રહેતા કાલા બોર જ્યું, ચઢે ના દુજા રંગ.
જો મનનો શરીર સાથેનો મેળ શુદ્ધ નહિં થાય, તો તારા શરીરનો ભંગ થશે. એટલે કે શરીર રોગ-ભોગમાં એવું સલવાશે કે જેમ બગડી ગયેલું બોર કાળું થઈ જાય અને તે પાછું નવો રંગ પકડતું નથી, તેમ તારા શરીરની દશા પાછી સુધરી શકશે નહિં. તેથી સવેળા ચેતી જજે.
કામ હય ત્યાં રામ નહિં, રામ નહિં ત્યાં કામ,
દોનોં એક જા ક્યું રહે, કામ રામ એક ઠામ.
મનમાં કામ વાસના હોય ત્યાં રામ એટલે પરમાત્માનું જ્ઞાન નહિં રહે. તેમ જ જ્યાં રામનું જ્ઞાન હોય ત્યાં કામ વાસના નહિં રહે. તેથી મનમાં કામ વાસના અને રામનું જ્ઞાન એક સાથે કેમ કરીને રહી શકે?
હિરદા ભિતર આરસી, મુખ દેખા ન જાય,
મુખ તો તબહી દેખીયે, જબ મનકી દુબ્ધા જાય.
પરમાત્માએ અંતઃકરણમાં તને પોતાને જોવા માટે આરસી અર્થાત્ મીરર મુકેલો છે. પણ તારા મનની આરસી ગંદી હોવાથી તેમાં તું તને પોતાને જોઈ શક્તો નથી. તેમાં તારૂં સત્ય સ્વરૂપ તો ત્યારે જ જોઈ શકશે જ્યારે તારા મનની દુબ્ધા એટલે જુદાઈ જતી રહેશે.
ચંચળ મનવા ચેતરે, સુતો ક્યાં અજ્ઞાન,
જબ ધર જમ લે જાયગા, પડા રહેગા મ્યાન.
હે મનુષ્ય તું તારા મનને બહુ જ ચંચળ રાખી નહિં વિચારવાનું વિચારે છે, તેથી કહું છું કે આ અજ્ઞાનની નિંદ્રામાં ક્યાં સુધી સુઈ રહીશ? માટે હવે ચેતી જા. જેને માટે તેં ન કરવા જેવાં કર્મો કર્યાં તે શરીરનું ખોખું અહીં પડી રહેશે અને જમડા તારા જીવને પકડી લઈ જશે.
તનકા વેરી કો નહિ, જો મન શિતલ હોય,
તુ આપાકો ડાલ દે, તો દયા કરે સબ કોય.
તું તારા આપાને એટલે કે હું, મને અને મારૂં જ ના આગ્રહની જે ગ્રંથી અર્થાત્ ગાંઠ છે, તેને કાઢી નાંખ. જો એવી રીતે તારૂં મન શિતલ એટલે સ્થિર-શાંત થશે, તો તારા શરીરનું કોઈ દુશ્મન નહિં થાય. ઉલટા સર્વ કોઈ તારા પર દયા રાખી તને ચાહશે.
તનમન દિયા તો ભલી કરી, ડારા શિરકા ભાર,
કબ કહે જો મેં દિયા, તો બહોત સહેગા માર.
જો તેં તારા તનમન પરમાત્મા સ્વરૂપ સદગુરૂને સોંપી દીધાં તો તેં સારામાં સારૂં કામ કર્યું. તેં માથાનો બધો ભાર ઉતારી નાંખ્યો. પણ ત્યાર પછી, હું કેટલો સારો માણસ છું, કે મેં સર્વસ્વ સોંપી દીધું, એવો ગર્વ કરવામાં તેં તારા સોંપી દીધેલા મનનો ઉપયોગ કરશે. તો તારે ઘણું જ સહન કરી, જન્મ મરણના ફેરાનો માર ખાવો પડશે.
મન ઠહેરા તબ જાનિયે, અનસુજ સબે સુજાય,
જ્યું અંધિયારે ભવનમેં, દિપક બાર દિખાય.
જેમ ભવનમાં એટલે મહેલમાં અંધારૂં હોય, ત્યાં દિવા કરવાથી મહેલમાં બધે અજવાળું દેખાય છે. તેમ મન જ્યારે વિષયોના વિચાર કરતું બંધ થઈ, શાંત સ્થિર થયેલું જણાય છે. તેની ખબર ત્યારે સમજાય કે જે અનસુજ એટલે જેની સમજ પડતી ન હતી, તેની સમજ પડી જાય છે. એટલે કે તું પોતે કોણ છે? જે ભુલી ગયેલો છે, તે જ્ઞાનની ગતાગમ આવી જાય છે.
કબીર! મન પરબોધ લે, આપહિ લે ઉપદેશ,
જો એ પાંચો વશ કરો, તો શિષ્ય હોય સબ દેશ.
કબીજી કહે! તું તારા મનને સારી રીતે ઓળખી લે. એ મનના વિચાર થકી જે કર્મો કરી ચુક્યો છે, તેમાંથી તું તારવણી કરી જે ઉપદેશ લેવા જેવો છે તે લઈ તારી પાંચે ઈન્દ્રિયોને વશ કરી શકશે, તો સર્વ કોઈ તારો શિષ્ય બનવા આવશે.
મન કપડા મેલા ભયા, ઈનમેં બહોત બિગાર,
યે મન કૈસે ધોઈયે, સંતો કરો બિચાર.
હે સંત સાધુઓ તમે વિચારી જુઓ, કે જો મન-રૂપી કપડું એટલે ચાદર મોહ-માયા-મમતાના મેલથી બહુ જ બગજી ગઈ હોય, તો તેવા મનને કેમ કરીને ચોખ્ખુ કરી શકશો?
સત ગુરૂ ધોબી જ્ઞાન જલ, સાબુ સરજનહાર,
સુરત શિલા પર ધોઈએ, નિકસેં જોત અપાર.
સદગુરૂ! જાતે ધોબી બની, નામ સ્મરણનો સાબુ લઈ, પરમાત્મ-જ્ઞાનનાં પાણીથી ધ્યાનની શીલા પર મુકી, મનને એવું ધોઈ નાંખે છે, કે તેમાંથી પાર વગરના જ્ઞાનની જ્યોત ઝળકે છે.
કબીર! કાયા કો ઝગો, સાંઈ સાબુન નામ,
રામહિ રામ પોકારતાં, ધોયા પાંચો ઠામ.
કબીરજી કહે! તમારા તનમનને પરમાત્માના જ્ઞાનના સાબુથી ધોઈ ઝગઝગતું કરી નાંખો. પછી રામ રામ એટલે પરમાત્મા સ્મરણમાં રોકી, મુખેથી પરમાત્માની જ વાતો કરવાથી, તમારી પાંચે ઈંદ્રિયો ઠરેઠામ થઈ વિષયો તરફ દોડશે નહિં.
કબીર! મન નિશ્ચલ કરો, ગોવિંદ કે ગુણ ગાય,
નિશ્ચલ બિના ન પાઈયે, કોટિક કરો ઉપાય.
કબીરજી કહે! પરમાત્માના ગુણ ગાય એટલે તેનામાં જ ધ્યાન રાખી, તમે મનને ચલિત થતું અટકાવો, મનને સ્થિર શાંત કરો. બાકી કરોડો ઉપાયોથી મન સ્થિર નહિં થશે. અને મન સ્થિર-શાંત થયા વગર આત્મજ્ઞાન પ્રપ્ત થશે નહિં.
ભક્ત દ્વાર હય સાંકડા, રાઈ દસમા ભાગ,
મન હી જબ રાવત હો રહા, તો ક્યું કર શકે સમાય.
પરમાત્માના ભક્ત બનવાનું બારણું બહુ જ સાંકડું છે. એ એટલું બધું સાંકડું છે કે તે રાઈના દાણાનાં દસમાં ભાગ જેટલું છે. જ્યારે તારૂં મન જ પોતે હાથી જેવું મોટું થઈ ગયું છે, તો તે એ ઝીણા બારણામાં થઈને કેમ કરી જઈ શકશે?
રાઈ બાતાં બિસવા, ફિર બિસનકા બિસ,
ઐસો મનવા જો કરે, તહિ મિલે જગદિશ.
રાઈનાં દાણાના વિસ ભાગ કરો, તે વિસ ભાગમાંના એકના વિસ ભાગ કરો. તેના એ એક ભાગ જેવડું તારૂં મન ઝીણું કરી શકે. એટલે કે જેના મનને સૂક્ષ્મ વસ્તુનો વિચાર કરવાની ગેડ બેસી ગઈ હોય, તેને જગદીશ એટલે પરમાત્મા જરૂર મળે.
મન ગોરખ મન ગોવિંદા, મનહુ ચૌ ઘટ હોય,
જો મન રાખે જતન કર, તો આપે કરતો સોય.
મન ગોરખનાથ સંન્યાસી જેવું બની શકે, મન સ્વયં પરમાત્મા પણ બની શકે. તારૂં મન જો આત્મસ્વરૂપ બની, જોશે તો ચો તરફની સૃષ્ટિ બની જશે. એમ મનને જો તું જતન કરી સાચવશે, તો તને સમજાય જશે કે તું જ પોતે પરમાત્મા સ્વરૂપ હોય, આ બધું જે છે તે તું જ છે.
જબ તક આશ શરીરકી, નિર્ભય ભયા ન જાય,
કાયા માયા મન તજે, ચૌપટ રહા બજાય.
જ્યાં સુધી તને તારા શરીર પર આશા વિશ્વાસ છે, ત્યાં સુધી તું કદિ પણ નિર્ભય બની શકીશ નહિં. એ તો જ્યારે તું મન શરીર અને ઈંદ્રિયોની માયા એટલે આશા તૃષ્ણા ત્યજી દેશે, ત્યારે તું પરમાત્માની પાસે પહોંચી જશે.
મન રાજા મન રંક હય, મન કાયર મન સુર,
શુન્ય શીખર પર મન રહે, મસ્તક આવે નુર.
મન રાજા થઈ શકે, મન ગરીબ બની જાય, અને મન જ માણસને બાયલો કે બહાદુર પણ બનાવે છે. જો કોઈ વિરલો મનને શુન્ય શીખર પર લઈ જઈ શકે એટલે વિચાર શુન્ય કરી શકે, તો તેના મસ્તકમાં નુર એટલે પરમાત્માનું સ્વરૂપ સમજાય જાય છે.
તેરી જોતમેં મન ધરેં, મન ધર હોય પતંગ,
આપા ખોયે હરિ મિલે, તુજ મિલ્યા રહે રંગ.
તું તારા મનને, તારી એટલે પરમાત્માની જ્યોતમાં જો રોકી શકે, તો એવા પરમાત્મામાં ધારણ થયેલું મન સ્વતંત્ર ઉડતા પતંગ જેવું થશે. એ તો ત્યારે જ બનશે કે જ્યારે તારૂં આપપણું અર્થાત્ હું, મને અને મારૂંનો આગ્રહ નહિં રહે. એવું બનશે ત્યારે એવો રંગ જામશે કે તું અને તે પરમાત્મા એક થઈ જશે.
દોરી લાગી ભય ગા, મન પાયે વિશ્રામ,
ચિત્ત ચોંટા હરિ નામસોં, મિટ ગયા સબહિ કામ.
પરમાત્મા સાથે એક થઈ ગયા પછી મોટામાં મોટો જે મૃત્યુનો ભય છે તે રહેતો નથી. પછી મનને બહુ જ શાંતિ રહે છે. જેનું ચિત્ત પરમાત્મામાં ચોંટી ગયા પછી, તેનાં બધાં કરવા જેવાં કામો મટી જતાં કૃતકૃત્ય થઈ ગયો.
યે મન હરિ ચરણે ચલા, માયા મોહસેં છુટ,
બે હદમાંહિ ઘર કિયા, કાળ રહા શિર કુટ.
આ મારૂં મન મોહ માયાથી છુટી હવે હરિ-પરમાત્માના શરણે ચાલી ગયું છે. હવે મેં મારૂં ઘર બેહદમાં વસાવી દીધું છે. એટલે કે હવે હું અને તેની જુદાઈ રહી નથી. હું બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છું, અને કાળ પણ માથું કુટતો રહી ગયો છે. અર્થાત્ જન્મ મરણની પાર થઈ ગયો છું.
યે મન થાકી થીર ભયા, પગ બીન ચલે ન પંથ,
એક જ અક્ષર અલેખકા, થાકે કોટી ગ્રંથ.
આ મારૂં મન હવે થાકી હારી સ્થિર શાંત થયું છે. એની પાસે વિષયોના રસ્તે જવા માટે પગ રહ્યા નથી. જે કરોડો ગ્રંથો ન કરી શક્યા, તે, વર્ણવી ન શકાય તેવા પરમાત્માને જાણવાનું કામ, એકાક્ષર ૐનો જાપ કરતાં થઈ ગયું.
મેરા મન સુમરે રામકો, મનમેં રામ સમાય,
મનહિ જબ રામ હો રહા, તો શિશ નમાવું કાય?
મારૂં મન હર હમેશ રામને જ સ્મરે એટલે તેની યાદ કાયમ ચાલુ રાખે છે. એમ કરતાં તે રામ-પરમાત્મામાં સમાય ગયું. જ્યારે મન જ રામસ્વરૂપ થઈ ગયું, ત્યારે હું હવે કોની આગળ મારું શીશ નમાવું?
તું તું કરતાં તું ભયા, તું માંહે રહે સમાય,
તું માંહિ મન મિલ રહા, અબ મન અંત ન જાય.
તત્વમસિ, તું તે જ છે, એમ તારૂં સ્મરણ કરતાં કરતાં હું તું મય થઈ ગયો અને તારામાં જ મારૂં મન એક થઈ જવાથી, હવે મારૂં મન પણ તારી જેમ અનંત થઈ ગયું.
તું તું કરતાં તું ભયા, મુજમેં રહી ન “હું”,
વારી ફેરૂં નામ પર, જીત દેખું તીત “તું”.
તું તું કરતાં કરતાં હું તું એટલે બ્રહ્મ પરમાત્મા બની ગયો. હવે હું પણુંનો અહંકાર જે ખોટી વસ્તુમાં એટલે કે મારાં કહેવાતાં તનમન અને ઈંદ્રિયોમાં થતો હતો તે નીકળી ગયો. હવે તો તારા નામ પર વારી જાઉં છું, અને તારા વખાણ કરતાં થાકતો નથી. કારણ કે જ્યાં જોઉં ત્યાં તું જ છે, તારાં જ દર્શન થાય છે.
No comments:
Post a Comment