Friday, July 5, 2013

છેલ્લાં વચનો વિષે સાખી



કબીર! બુંદ સમાની સમુદ્રમેં, જાનત હય સબ કોય,
સમુદ્ર સમાના બુંદમેં, બૂઝે બીરલા કોય.

કબીરજી કહે! એ તો સૌ કોઈ જાણે છે કે સમુદ્રમાં પાણીનું ટીપું સમાઈ જાય છે. પણ પાણીના ટીપામાં સમુદ્ર સમાય જાય તે તો કોઈ વિરલા જ સમજી શકે છે. એટલે કે જે જ્ઞાની સંત પુરૂષો જ જાણે છે કે આ સમગ્ર વિશ્વ તે પરમાત્મામાં જ વસેલું છે, પણ અજ્ઞાનીઓને તેની સમજ પડતી નથી. કારણ પાણીના બુંદની જેમ ઝીણો હોય, તેને સમજવો તેવાઓને માટે મુશ્કેલ લાગે છે.

જો તો કો કાંટા બુવે, તો કો તું બો ફુલ,
  તો કુ ફુલપે ફુલ હય, વાં કો કાંટા સુલ.

જો કોઈ તને કાંટો ભોંકે એટલે કે તને દુઃખી કરે, તેને તું ફુલ જ આપજે. એટલે કે તેને સુખ લાગે તેમ જ વર્તજે. જેને દુઃખ આપવાની આદત છે, તેવાઓને કાંટાની શૂળ પર સુવું પડશે. એટલે કે ભવોભવના દુઃખો જ મેળવવાના છે. જ્યારે તું તો સુખ સ્વરૂપ ફુલ હોય, તને સર્વ સમય સુખ જ સુખ થશે.
 
કબીર! સબ ઘટ મેરા સાંઈયાં, ખાલી ઘટ નહીં કોય,
બલિહારી ઉસ ઘટકી, જા ઘટ પરગટ હોય.

કબીરજી કહે! હરેક શરીરોમાં મારો પરમાત્મા વસેલો છે. કોઈ એવું શરીર કે સ્થળ નથી, કે જે તેના વિના ખાલી હોય. પરંતુ બલિહારી તો તેની જ છે કે જેના શરીરમાં તે પ્રગટ થયેલો હોય. અર્થાત્ જેણે તેને પોતાનામાં જ ઓળખી કાઢી તેને જ્ઞાન થકી અનુભવ્યો હોય.

કબીર કા ઘર બાજારમેં, ગલ કાટ્યોંકે પાસ,
કરેંગે સો પાએંગે, તુમ ક્યોં ભયે ઉદાસ.

કબીરજીનું ઘર બજારમાં જાનવરોનાં ગળાં કાપવા વાળા કસાઈની બાજુમાં છે. તેથી કબીરજી પોતાને કહે છે કે એ લોકો જેવું કરશે તેવું ભોગવશે, તું શા માટે ઉદાસ રહે છે?

જ્યું તિલ માંહી તેલ હૈ, જ્યું ચકમકમેં આગ,
 તેરા સાંઈ તુજમેં, જાગ શકે તો જાગ.

જેમ તલની અંદર તેલ રહેલું છે કે જે જણાતું નથી. અને ચકમકના પથ્થરમાં આગ એટલે અગ્નિ રહેલો છે, તે પણ જણાતો નથી. તેમ જ તારો સાંઈ અર્થાત્ પરમાત્મા તારી અંદર રહેલો છે, તેને વેળાસર જાગીને જ્ઞાન થકી મેળવી લે.
  
માલા ફેરત જુગ ગયા, મીટા ન મન કા ફેર,
     કર કા મનકા છોડ દે, મન કા મનકા ફેર.
માળા ફેરવી જપ કરતાં કરતાં તારૂં આખું જીવન વહી ગયું. પરંતુ તારા મનમાં જરા પણ ફરક પડ્યો નથી. અર્થાત્ હજુ પણ મોહમાયામાં સપડાયેલો રહ્યો છે. તેથી કહું છું કે હાથમાંની માળા પડતી મૂકી, કોઈ સંત સદગુરૂ શોધી તેમની પાસે તારા મનને કેવી રીતે શુદ્ધ કરવું તે જાણી મનનો મણકો ફેરવ, અર્થાત્ મન થકી તે જ્ઞાન પ્રાપ્ત કરી લે.

માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખમાંહી,
મનવા તો ચૌદીશ ફિરે, યે તો સુમિરન નાહી.

હાથમાં માળાના મણકા ફરતા રહે, મુખમાં જીભ હરિનું નામ બોલતી રહે, પણ તારૂં મન તો ચારે દિશામાં ભટકતું હોય, તો હે ભાઈ, એ કંઈ તું પરમાત્માનું સ્મરણ કરતો નથી. ઉલટાની તેની તું મશ્કરી કરે છે.

 સાંસ સાંસ પર નામ લે, બિલખા સાંસ ન ખોય
      ના જાને યહ સાંસ કા, આવન હોયે ના હોય.

તારા શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરતો રહેજે. મફતમાં તારા શ્વાસોને ખોઈ દઈશ નહી. ખબર નથી કે આ ચાલતો શ્વાસ કઈ ઘડીયે બંધ પડી જાય. અને પાછો ચાલુ નહી થાય.

 જાગો લોગો મત સોવો, ના કરો નિંદસે પ્યાર,
 જૈસે સુપના રૈન કા, ઐસા યહ સંસાર.

હે લોકો! મોહ માયાની નિંદ્રામાં પ્રેમથી સુઈ ન રહેતાં, હવે ચેતી જઈ જાગી જાવ. જાગ્રતમાં ભોગવાતો સંસાર તો આવેલું સ્વપ્ન જેવો છે.

  કહે કબીર પુકાર કે, દો બાતેં લીખ દે,
  કર સાહેબ કી બંદગી, ભુખોં કો કછુ દે.

કબીરજી પોકારીને કહે છે, કે તમે બે વાત મનમાંથી કદી કાઢશો નહીં. તે એ કે હમેશાં પરમાત્માનું ધ્યાન ધરજો અને ભુખ્યાંઓને થાય તેટલી સહાય કરશો.
  
ચેત સવેરે બાવરે, ફિર પાછો પછતાય,
   તુજકો જાના દૂર હય, કહે કબીર જગાય.

કબીરજી તને જગાડીને કહે છે કે હે બાવરા, તું જેમ બને તેમ જલ્દી વેળાસર ચેતી, પરમાત્માના રસ્તે ચાલવા માંડ. કારણ એ રસ્તો ઘણો દૂર લાંબો છે. નહીં તો તારે છેવટે પસ્તાવું પડશે.

 સાંઈ ઈતના દીજીયે, જામેં કુટુંબ સમાય,
 મેં ભી ભૂખા ના રહું, સાથ ન ભૂખા જાય.

હે પરમાત્મા! તારી પાસે આટલું માગું છું, કે જે આ સંસારના કુટુંબમાં હું સલવાયેલો છું. તેમાં હું ભૂખો નહીં રહું અને આ જે મારી સાથેનો સાથ છે, તે પણ ભૂખ્યા ન રહે.

કબીરા ખડા બજારમેં, માંગે સબકી ખેર,
  ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર.
કબીરજી આ સંસારના બજારમાં ઉભો રહી પરમાત્મા પાસે એ જ માંગે છે, કે તે બધાંને સદબુદ્ધિ આપે કે જેથી સર્વ સુખી થાય. કારણ મને તો કોઈ એક સાથે નથી, દોસ્તીનો ભાવ, કે નથી કોઈ સાથે વેરભાવ.

કહના થા સો કહ દીયા, અબ કછુ કહા ન જાય,
  એક રહા દૂજા ગયા, દરીયા લહેર સમાય.


જે કહેવાનું હતું તે બધું જ મેં કહી દીધું, હવે કંઈ પણ કહી શકાય એમ નથી. હવે તો જે પરમાત્મા સાથે જુદાઈ હતી તે ન રહેતાં હું તેની સાથે એક થઈ ગયો છું. જેમ દરીયાનાં મોજાં તે દરીયામાં જ સમાય જાય, તેમ હું પરમાત્મામાં સમાય ગયો છું.

Tuesday, June 25, 2013

વાણી વિષે સાખી



  શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,
 એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.
 વાણીથી બોલ બોલ કરો છો પણ વિચારજો, કે જે આપણે વચનો બોલીયે છીયે તેને હાથ કે પગ નથી. છતાં એ વાણીમાં એવી શક્તિ રહેલી છે, કે અમુક રીતે વચનો બોલવાથી વૈદ ઓષડ આપે તેમ સામાને શાંતિ આપે છે. જ્યારે અમુક વચનો કોઈને ઘા માર્યો હોય તેટલું દુઃખ આપે છે.
  
એક શબ્દ સુખરાસ હય, એક શબ્દ દુઃખરાસ,
એક શબ્દ બંધન કટેએક શબ્દ પરે ફાંસ.
તારા એક જ પ્રેમ ભર્યા વચનથી સામાને સુખસાગર મળ્યા જેટલો આનંદ મળે છે, અને બીજી દ્વેષવાળી વાણીથી જે વચન બોલશો તેનાથી તેને દુઃખસાગરમાં ધકેલી દેશો. અમુક જાતની શુદ્ધ વાણીથી માણસનાં દુઃખનાં બંધનો તુટી જાય છે. જ્યારે કટુ વચનોથી તેને ફાંસી આપવા જેટલું દુઃખ આપીયે છીયે. તેથી બોલતાં પહેલાં વિચારજે.

 એક શબ્દ સુપ્યાર હય, એક શબ્દ કુપ્યાર,
    એક શબ્દે સબ દુશ્મનએક શબ્દે સબ યાર.
એક જ વચન એવું બોલીયે કે તેનાથી સામા માણસને શુદ્ધ પ્યાર મળે. અને એક જ એવા કટુ વચનથી તેને તારા પ્રત્યે ધિક્કાર ઉત્પન્ન થાય છે. એક જ એવા વચનથી તું સર્વને તારા દુશ્મન બનાવી મુકશે. અને એક જ સારા બોલથી, બધા તારા મિત્ર બની જશે. તેથી બોલવા પહેલાં વિચારીને બોલો.
  શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,
   ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય.
તારો આપા એટલે તારા શરીર પ્રત્યેનો હું, મને અને મારૂં જ નો જે આગ્રહ છે, તે છોડી એવા વચનો બોલજે કે જેનાથી બીજાઓને શિતલ શાંત સુખ મળે. અને તને પોતાને પણ સુખ થશે.

  શિતલ શબ્દ ઉચ્ચારીયે, અહમ્ આનીયેં નાંહિ,
  તેરા પ્રિતમ તુજમેં બસે, દુશ્મન બી તુજ માંહી.
તારા અહમનો ગર્વ કાઢી, સામાને શિતલતા મળે તેવી વાણી બોલજે. કારણ તારો પ્રિતમ પરમાત્મા તારામાં જ વસેલો છે, તે રાજી થશે. અને અહમભાવથી તું જ તારો દુશ્મન થઈ તને પોતાને જ દુઃખી કરશે.

 જે શબ્દે દુઃખ ના લગે, સોહિ શબ્દ ઉચ્ચાર,
     તપ્ત મિટી શિતલ ભયા, સોહિ સબ્દ તત્ સાર.
તું એવા બોલ બોલજે કે જેનાથી કોઈને પણ દુઃખ ન થાય. પણ વાણી એવી બોલવી જેમાં પરમાત્માનો સાર હોય તેવું બોલવું કે જેનાથી દુઃખના ક્રોધ થકી તપ્ત થયેલાને શાંતિ મળે.
  શબ્દ સરીખા ધન નહિં, જો કોઈ જાને બોલ,
  હિરા તો દામે મિલે, પર શબ્દ ન આવે મોલ.
ઉપર કહ્યા તેવા બોલ જો કોઈ બોલી જાણે, તો એના જેટલું મોટું ધન કોઈ નથી. હીરો એટલે ડાયમંડ તો પૈસા ખરચતાં મળી રહે છે. પણ પરમાત્માનાં સાર વાળા બોલનું મુલ્ય કોઈ પણ કરી શકશે નહિં.
  
કઠન બચન બિખસે બુરા, જાર કરે સબ સાર,
સંત બચન શિતલ સદા, બરખે અમૃત ધાર.
 કડવા સખ્ત કઠણ વચનો ઝેરથી પણ ખરાબ છે, જે સર્વનાં મનમાં દુઃખ અને ચિંતાની આગ લગાડે છે. જયારે સંત-પુરૂષનાં વચનો, જાણે કે હમેશાં અમૃતની ધારા પડતી હોય તેમ બધાંના મનને શાંત શિતલ કરે છે. તેથી કઠણ વચનો ન બોલો.
  
કઉવે કિસકા ધન હરા, કોયલ કિસકો દેત,
    મિઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેત.
કાગડાએ કોનું ધન ચોરી લીધું છે? કોઈનું નહિં. છતાં તે કોઈને ગમતો નથી, કારણ તેનો અવાજ કડવો છે. તેમ કોયલે કોઈને કંઈ પણ આપ્યું નથી છતાં બધાંને તે ગમે છે. કારણ કે તેનો અવાજ મીઠો મધુરો છે. તેમ તું પણ જો મીઠાં શુદ્ધ વચનો બોલીશ, તો તું આખા જગતને તારૂં બનાવી દઈશ.

મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે કછુ ઓર,
એહી વશીકરણ મંત્ર હયતજીયે બચન કઠોર.
સર્વની સાથે શુદ્ધ મીઠી વાણીથી બોલજે કે જેનાથી તે સામા માણસને કંઈ નવી જ જાતનું સુખ લાગશે. એવી મીઠી વાણી, વશીકરણ મંત્ર જેવી છે. તેથી કઠોર વચનો બોલવાનું છોડી દેજે.
  ગમ સમાન ભોજન નહિ, જો કોઈ ગમકો ખાય,
   અમરિખ ગમ ખાઈયાં, દુર્વાસા વિર લાય.
ગમ ખાઈ જવું એના જેવું એક પણ ભોજન નથી. એટલે કે કોઈ દુઃખ લાગે એવું બોલે ત્યારે સાક્ષી દૃષ્ટિ રાખી સહન કરી જાણે, તે જ સાચી સહનશિલતા છે. દુર્વાસા ઋષિએ સખ્ત ઠપકા સાથે શ્રાપ દીધો છતાં પણ અંબરીષ રાજાએ તે મુંગે મોંએ સહન કરી લીધું. તેથી અંબરીષ રાજાને સ્વસ્થ શાંતિનું સુખ જ મળ્યું. જ્યારે દુર્વાસાને પોતાની અશાંત દશા માટે સહન કરવું પડ્યું.

 જીભ્યા જીને વશ કરી, તિને વશ કિયા જહાંન,
   નહિં તો અવગુણ ઉપજે, કહે સબ સંત સુજાણ.
આ સંસારને સારી રીતે સમજી ગયેલા એવા બધા જ સંત પુરૂષો કહે છે, કે જેણે જીભને સ્વાદ-વાણીના ચટકાથી દૂર રહેવા વશ કરી હોય. તે આ જગત જીતી ગયો. એમ ન કરી શકે તેનામાં તન અને મનના અવગુણ જ ઉપજશે.

 શબ્દ શબ્દ બહુ આંતરા, સાર શબ્દ ચિત્ત દેય,
    જો શબ્દે હરિ મિલે, સોહિ શબ્દ ગ્રહિ લેય.
વાણીથી બોલાતા શબ્દોમાં ઘણી જાતનાં ફરકો હોય છે. પણ સદગુરૂએ ઉચ્ચારેલા, જે તત્વની સમજણ વાળા શબ્દો ચિત્ત દઈ સાંભળી તે શબ્દોને સારી રીતે પકડી તારા અંતરમાં ઉતારજે. એવા તત્વસારના શબ્દોથી તું પરમાત્માને મળી શકશે, તેથી તેવા વચનોને જ તું પકડી રાખજે.

 શબ્દ બહોતહિ સુન્યા, પર મિટા ન મનકા મોહ,
  પારસ તક પહોતા નહિં, તબ લગ લોહાકા લોહ.
ઘણા બની બેઠેલા સંત સાધુઓનાં વચનો સાંભળ્યા પણ તેનાથી તારા મનનો મોહ તો મટ્યો નહિં. જ્યાં સુધી લોહખંડને પારસ મણી અડકે નહિં, ત્યાં સુધી તે લોઢું, લોઢું જ રહે છે, સોનું નહિં બને. તેમ સાચા સદગુરૂનો જ્યાં સુધી બોધ મળશે નહિં ત્યાં સુધી તું મોહ-મમતામાં જ અટવાયા કરશે.

 શબ્દ હમારા સત્ હય, તુમ મત જાય સરક,
     મોક્ષ મુક્ત ફળ ચાહો, તો શબ્દકો લેઓ પરખ.
કબીરજી કહે છે કે મારા વચનો એ સત્ય વચનો છે. તે વચનોને તું તારા ચિત્તમાંથી સરકી જવા દઈશ નહિં. એટલે કે તેને સ્મરણમાં રાખી મનન કરજે. જો તું સાચેસાચ મુક્ત થઈ પરમાત્મા સ્વરૂપ થવાનું ફળ ઈચ્છતો હોય, તો તું મારા વચનોને સારી રીતે જાણી લઈ પારખી લેજે. કે હું શું કહેવા માગું છું?

 શબ્દ મારે મર ગયે, શબ્દે છોડા રાજ,
જીને શબ્દ વિવેક કીયા, તાકા સરિયા કાજ.
જાત જાતનાં વાણીનાં ચુંથણાં કરી કરીને કેટલાયે મરી ગયા, જ્યારે એક જ સદગુરૂના સત્ય વચનથી રાજાઓ રાજ્ય છોડી ગયા. એમ જેઓ તે વચનો વિવેક કરી, એટલે કે સારાસારનો વિચાર કરી સમજી ગયા તેમનું કામ થઈ ગયું.

 શબ્દ શબ્દ સબ કોઈ કહે, વોહ તો શબ્દ વિદેહ,
     જીભ્યા પર આવે નહિં, નિરખ પરખ કર લે.
વાણીથી વચનો બોલી બોલીને બધા સમજાવવા માગે છે, પણ જેને સમજવાનો છે, તે તો શરીર વગરનો નિરાકાર છે. તેને જીભથી બોલીને વર્ણવી શકાય નહિં. તે પરમાત્માને તો તારે, જાતે પોતે અનુભવી પારખી લેવો.

  શબ્દ બિના સુરતા આંધળી, કહો કહાં કો જાય,
દ્વાર ન આવે શબ્દ કા, ફિર ફિર ભટકા ખાય.
સદગુરૂના બોધ વિના સુરતા એટલે તારા પોતાનાં સાચા સ્વરૂપને જાણ્યા વગર તારી મતિ આંધળી જ રહી જશે. જેને સમજવું જ ન હોય, અથવા જેની મતિ મોહ મમતામાંથી ખસતી જ ન હોય, તેને કેમ કરીને કેવી રીતે કહી શકાય? એવાને સમજાવતાં વાણીનો પાર નથી આવવાનો. એવાઓ જન્મ મરણના ફેરામાં જ ભટક્યા કરશે.
  
એક શબ્દ ગુરૂદેવ કા, તાકા અનન્ત બિચાર,
થાકે મુનિજન પંડિતા, ભેદ ન આવે પાર.
જેનો વિચાર કરતાં અન્ત નથી આવતો, અને જેને સમજતાં સમજાવતાં, પંડિતો અને મુનિજનો થાકી હારી ગયા છે, પણ તેના ભેદનો પાર પામી શક્યા નથી. તે તત્વને સદગુરૂ એક જ શબ્દથી સમજાવી દે છે.
  
બેદ થકે બ્રહ્મા થકે, થકીયા શંકર શેષ,
ગીતા કો બી ગમ નહિં, જહાં સદગુરૂ કા ઉપદેશ.
બ્રહ્મા પણ વેદમાં સમજાવી થાકી ગયા, વેદને સમજવા મથતા મનુષ્યો પણ થાકી ગયા. આદિ ગુરૂ શંકરાચાર્ય પણ સમજાવી સમજાવી થાકી ગયા. અને છેવટે ગીતાને સમજવામાં પણ લોકોને ગમ પડી નહિં. તે સદગુરૂના એક જ ઉપદેશથી સમજાય ગયું.
  
પરખો દ્વારા શબ્દકા, જો ગુરૂ કહે બિચાર,
બિના શબ્દ કછુ ના મિલે, દેખો નયન નિહાર.
જો સદગુરૂ વિચાર કરીને, તને જે વચનો કહે તેને પારખી જઈ સારી રીતે તારી સમજમાં આવશે, તો તું પરમાત્માના બારણા સુધી પહોંચી જશે. આંખો ઉઘાડી ઉંચી કરી કરીને જોવાથી તને કંઈ પણ મળવાનું નથી. એક સદગુરૂના બોધ થકી જ તને સર્વ કંઈ મળી જશે.

 હોઠ કંઈ હાલે નહિં, જીભ્યા ન નામ ઉચ્ચાર,
 ગુપ્ત શબ્દ જો ખેલે, કોઈ કોઈ હંસ હમાર.
એ ગુપ્ત વચનોને હમારા પરમહંસ સાધુઓ સમજી જઈ આ ભવસાગરને તરી ગયેલાઓ કંઠ કે હોઠ નહિં હલાવતાં, જીભથી નામનો ઉચ્ચાર પણ કરતા નથી.
  લોહા ચુંબક પ્રીત હય, લોહા લેત ઉઠાય,
  ઐસા શબ્દ કબીરકા, કાળસેં લેત છોડાય.

જેમ લોઢાને ને ચુંબકને પ્રીત હોય છે, અર્થાત્ લોઢાને પોતાની નજીક ખેંચી લે છે. તેમ મારી કબીરની વાણી એવી છે, કે જેને તે સમજાય જશે તેને મૃત્યુ-ભયથી છુટો કરશે.