શબ્દ
શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન
પાંવ,
એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.
વાણીથી બોલ બોલ
કરો છો પણ વિચારજો, કે જે આપણે વચનો
બોલીયે છીયે તેને હાથ કે પગ નથી. છતાં એ વાણીમાં એવી શક્તિ રહેલી છે, કે અમુક રીતે વચનો બોલવાથી વૈદ ઓષડ આપે તેમ સામાને શાંતિ આપે છે.
જ્યારે અમુક વચનો કોઈને ઘા માર્યો હોય તેટલું દુઃખ આપે છે.
એક શબ્દ સુખરાસ હય, એક શબ્દ દુઃખરાસ,
એક શબ્દ બંધન કટે, એક શબ્દ પરે ફાંસ.
તારા એક જ પ્રેમ
ભર્યા વચનથી સામાને સુખસાગર મળ્યા જેટલો આનંદ મળે છે, અને બીજી દ્વેષવાળી વાણીથી જે વચન બોલશો તેનાથી તેને દુઃખસાગરમાં
ધકેલી દેશો. અમુક જાતની શુદ્ધ વાણીથી માણસનાં દુઃખનાં બંધનો તુટી જાય છે. જ્યારે
કટુ વચનોથી તેને ફાંસી આપવા જેટલું દુઃખ આપીયે છીયે. તેથી બોલતાં પહેલાં વિચારજે.
એક શબ્દ સુપ્યાર હય, એક શબ્દ કુપ્યાર,
એક શબ્દે સબ દુશ્મન, એક શબ્દે સબ યાર.
એક જ વચન એવું
બોલીયે કે તેનાથી સામા માણસને શુદ્ધ પ્યાર મળે. અને એક જ એવા કટુ વચનથી તેને તારા
પ્રત્યે ધિક્કાર ઉત્પન્ન થાય છે. એક જ એવા વચનથી તું સર્વને તારા દુશ્મન બનાવી
મુકશે. અને એક જ સારા બોલથી, બધા તારા મિત્ર બની જશે. તેથી બોલવા પહેલાં વિચારીને બોલો.
શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,
ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય.
તારો આપા એટલે
તારા શરીર પ્રત્યેનો હું, મને અને મારૂં જ નો જે આગ્રહ છે, તે છોડી એવા વચનો બોલજે કે જેનાથી બીજાઓને શિતલ શાંત સુખ મળે. અને
તને પોતાને પણ સુખ થશે.
શિતલ શબ્દ ઉચ્ચારીયે, અહમ્ આનીયેં નાંહિ,
તેરા પ્રિતમ તુજમેં બસે, દુશ્મન બી તુજ માંહી.
તારા અહમનો ગર્વ
કાઢી, સામાને શિતલતા
મળે તેવી વાણી બોલજે. કારણ તારો પ્રિતમ પરમાત્મા તારામાં જ વસેલો છે, તે રાજી થશે. અને અહમભાવથી તું જ તારો દુશ્મન થઈ તને પોતાને જ
દુઃખી કરશે.
જે શબ્દે દુઃખ ના લગે, સોહિ શબ્દ ઉચ્ચાર,
તપ્ત મિટી શિતલ ભયા, સોહિ સબ્દ તત્ સાર.
તું એવા બોલ
બોલજે કે જેનાથી કોઈને પણ દુઃખ ન થાય. પણ વાણી એવી બોલવી જેમાં પરમાત્માનો સાર હોય
તેવું બોલવું કે જેનાથી દુઃખના ક્રોધ થકી તપ્ત થયેલાને શાંતિ મળે.
શબ્દ સરીખા ધન નહિં, જો કોઈ જાને બોલ,
હિરા તો દામે મિલે, પર શબ્દ ન આવે મોલ.
ઉપર કહ્યા તેવા
બોલ જો કોઈ બોલી જાણે, તો એના જેટલું મોટું ધન કોઈ નથી. હીરો એટલે ડાયમંડ તો પૈસા ખરચતાં
મળી રહે છે. પણ પરમાત્માનાં સાર વાળા બોલનું મુલ્ય કોઈ પણ કરી શકશે નહિં.
કઠન બચન બિખસે
બુરા, જાર કરે સબ સાર,
સંત બચન શિતલ સદા, બરખે અમૃત ધાર.
કડવા સખ્ત કઠણ
વચનો ઝેરથી પણ ખરાબ છે, જે સર્વનાં મનમાં દુઃખ અને ચિંતાની આગ લગાડે છે. જયારે
સંત-પુરૂષનાં વચનો, જાણે કે હમેશાં
અમૃતની ધારા પડતી હોય તેમ બધાંના મનને શાંત શિતલ કરે છે. તેથી કઠણ વચનો ન બોલો.
કઉવે કિસકા ધન હરા, કોયલ કિસકો દેત,
મિઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેત.
કાગડાએ કોનું ધન
ચોરી લીધું છે? કોઈનું નહિં.
છતાં તે કોઈને ગમતો નથી, કારણ તેનો અવાજ કડવો છે. તેમ કોયલે કોઈને કંઈ પણ આપ્યું નથી છતાં
બધાંને તે ગમે છે. કારણ કે તેનો અવાજ મીઠો મધુરો છે. તેમ તું પણ જો મીઠાં શુદ્ધ
વચનો બોલીશ, તો તું આખા જગતને
તારૂં બનાવી દઈશ.
મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે કછુ ઓર,
એહી વશીકરણ મંત્ર હય, તજીયે બચન કઠોર.
સર્વની સાથે
શુદ્ધ મીઠી વાણીથી બોલજે કે જેનાથી તે સામા માણસને કંઈ નવી જ જાતનું સુખ લાગશે.
એવી મીઠી વાણી, વશીકરણ મંત્ર
જેવી છે. તેથી કઠોર વચનો બોલવાનું છોડી દેજે.
ગમ સમાન ભોજન નહિ, જો કોઈ ગમકો ખાય,
અમરિખ ગમ ખાઈયાં, દુર્વાસા વિર લાય.
ગમ ખાઈ જવું એના જેવું
એક પણ ભોજન નથી. એટલે કે કોઈ દુઃખ લાગે એવું બોલે ત્યારે સાક્ષી દૃષ્ટિ રાખી સહન
કરી જાણે, તે જ સાચી
સહનશિલતા છે. દુર્વાસા ઋષિએ સખ્ત ઠપકા સાથે શ્રાપ દીધો છતાં પણ અંબરીષ રાજાએ તે
મુંગે મોંએ સહન કરી લીધું. તેથી અંબરીષ રાજાને સ્વસ્થ શાંતિનું સુખ જ મળ્યું. જ્યારે
દુર્વાસાને પોતાની અશાંત દશા માટે સહન કરવું પડ્યું.
જીભ્યા જીને વશ કરી, તિને વશ કિયા જહાંન,
નહિં તો અવગુણ ઉપજે, કહે સબ સંત સુજાણ.
આ સંસારને સારી
રીતે સમજી ગયેલા એવા બધા જ સંત પુરૂષો કહે છે, કે જેણે જીભને સ્વાદ-વાણીના ચટકાથી દૂર રહેવા વશ કરી હોય. તે આ જગત
જીતી ગયો. એમ ન કરી શકે તેનામાં તન અને મનના અવગુણ જ ઉપજશે.
શબ્દ શબ્દ બહુ આંતરા, સાર શબ્દ ચિત્ત દેય,
જો શબ્દે હરિ મિલે, સોહિ શબ્દ ગ્રહિ લેય.
વાણીથી બોલાતા
શબ્દોમાં ઘણી જાતનાં ફરકો હોય છે. પણ સદગુરૂએ ઉચ્ચારેલા, જે તત્વની સમજણ વાળા શબ્દો ચિત્ત દઈ સાંભળી તે શબ્દોને સારી રીતે
પકડી તારા અંતરમાં ઉતારજે. એવા તત્વસારના શબ્દોથી તું પરમાત્માને મળી શકશે, તેથી તેવા વચનોને જ તું પકડી રાખજે.
શબ્દ બહોતહિ સુન્યા, પર મિટા ન મનકા મોહ,
પારસ તક પહોતા નહિં, તબ લગ લોહાકા લોહ.
ઘણા બની બેઠેલા
સંત સાધુઓનાં વચનો સાંભળ્યા પણ તેનાથી તારા મનનો મોહ તો મટ્યો નહિં. જ્યાં સુધી
લોહખંડને પારસ મણી અડકે નહિં, ત્યાં સુધી તે લોઢું, લોઢું જ રહે છે, સોનું નહિં બને. તેમ સાચા સદગુરૂનો જ્યાં સુધી બોધ મળશે નહિં ત્યાં
સુધી તું મોહ-મમતામાં જ અટવાયા કરશે.
શબ્દ હમારા સત્ હય, તુમ મત જાય સરક,
મોક્ષ મુક્ત ફળ ચાહો, તો શબ્દકો લેઓ પરખ.
કબીરજી કહે છે કે
મારા વચનો એ સત્ય વચનો છે. તે વચનોને તું તારા ચિત્તમાંથી સરકી જવા દઈશ નહિં. એટલે
કે તેને સ્મરણમાં રાખી મનન કરજે. જો તું સાચેસાચ મુક્ત થઈ પરમાત્મા સ્વરૂપ થવાનું
ફળ ઈચ્છતો હોય, તો તું મારા
વચનોને સારી રીતે જાણી લઈ પારખી લેજે. કે હું શું કહેવા માગું છું?
શબ્દ મારે મર ગયે, શબ્દે છોડા રાજ,
જીને શબ્દ વિવેક
કીયા, તાકા સરિયા કાજ.
જાત જાતનાં
વાણીનાં ચુંથણાં કરી કરીને કેટલાયે મરી ગયા, જ્યારે એક જ સદગુરૂના સત્ય વચનથી રાજાઓ રાજ્ય છોડી ગયા. એમ જેઓ તે
વચનો વિવેક કરી, એટલે કે
સારાસારનો વિચાર કરી સમજી ગયા તેમનું કામ થઈ ગયું.
શબ્દ શબ્દ સબ કોઈ કહે, વોહ તો શબ્દ વિદેહ,
જીભ્યા પર આવે નહિં, નિરખ પરખ કર લે.
વાણીથી વચનો બોલી
બોલીને બધા સમજાવવા માગે છે, પણ જેને સમજવાનો છે, તે તો શરીર વગરનો નિરાકાર છે. તેને જીભથી બોલીને વર્ણવી શકાય નહિં.
તે પરમાત્માને તો તારે, જાતે પોતે અનુભવી પારખી લેવો.
શબ્દ
બિના સુરતા આંધળી, કહો કહાં કો જાય,
દ્વાર ન આવે શબ્દ
કા, ફિર ફિર ભટકા
ખાય.
સદગુરૂના બોધ
વિના સુરતા એટલે તારા પોતાનાં સાચા સ્વરૂપને જાણ્યા વગર તારી મતિ આંધળી જ રહી જશે.
જેને સમજવું જ ન હોય, અથવા જેની મતિ
મોહ મમતામાંથી ખસતી જ ન હોય, તેને કેમ કરીને કેવી રીતે કહી શકાય? એવાને સમજાવતાં વાણીનો પાર નથી આવવાનો. એવાઓ જન્મ મરણના ફેરામાં જ
ભટક્યા કરશે.
એક શબ્દ ગુરૂદેવ
કા, તાકા અનન્ત બિચાર,
થાકે મુનિજન
પંડિતા, ભેદ ન આવે પાર.
જેનો વિચાર કરતાં
અન્ત નથી આવતો, અને જેને સમજતાં
સમજાવતાં, પંડિતો અને
મુનિજનો થાકી હારી ગયા છે, પણ તેના ભેદનો પાર પામી શક્યા નથી. તે તત્વને સદગુરૂ એક જ શબ્દથી
સમજાવી દે છે.
બેદ થકે બ્રહ્મા
થકે, થકીયા શંકર શેષ,
ગીતા કો બી ગમ
નહિં, જહાં સદગુરૂ કા
ઉપદેશ.
બ્રહ્મા પણ
વેદમાં સમજાવી થાકી ગયા, વેદને સમજવા મથતા મનુષ્યો પણ થાકી ગયા. આદિ ગુરૂ શંકરાચાર્ય પણ
સમજાવી સમજાવી થાકી ગયા. અને છેવટે ગીતાને સમજવામાં પણ લોકોને ગમ પડી નહિં. તે
સદગુરૂના એક જ ઉપદેશથી સમજાય ગયું.
પરખો દ્વારા
શબ્દકા, જો ગુરૂ કહે
બિચાર,
બિના શબ્દ કછુ ના
મિલે, દેખો નયન નિહાર.
જો સદગુરૂ વિચાર
કરીને, તને જે વચનો કહે
તેને પારખી જઈ સારી રીતે તારી સમજમાં આવશે, તો તું પરમાત્માના બારણા સુધી પહોંચી જશે. આંખો ઉઘાડી ઉંચી કરી
કરીને જોવાથી તને કંઈ પણ મળવાનું નથી. એક સદગુરૂના બોધ થકી જ તને સર્વ કંઈ મળી જશે.
હોઠ કંઈ હાલે નહિં, જીભ્યા ન નામ ઉચ્ચાર,
ગુપ્ત શબ્દ જો ખેલે, કોઈ કોઈ હંસ હમાર.
એ ગુપ્ત વચનોને
હમારા પરમહંસ સાધુઓ સમજી જઈ આ ભવસાગરને તરી ગયેલાઓ કંઠ કે હોઠ નહિં હલાવતાં, જીભથી નામનો ઉચ્ચાર પણ કરતા નથી.
લોહા ચુંબક પ્રીત હય, લોહા લેત ઉઠાય,
ઐસા શબ્દ કબીરકા, કાળસેં લેત છોડાય.
જેમ લોઢાને ને
ચુંબકને પ્રીત હોય છે, અર્થાત્ લોઢાને પોતાની નજીક ખેંચી લે છે. તેમ મારી કબીરની વાણી એવી
છે, કે જેને તે સમજાય
જશે તેને મૃત્યુ-ભયથી છુટો કરશે.
No comments:
Post a Comment