કબીર! બુંદ સમાની સમુદ્રમેં, જાનત હય સબ કોય,
સમુદ્ર સમાના બુંદમેં, બૂઝે બીરલા કોય.
કબીરજી કહે! એ તો
સૌ કોઈ જાણે છે કે સમુદ્રમાં પાણીનું ટીપું સમાઈ જાય છે. પણ પાણીના ટીપામાં સમુદ્ર
સમાય જાય તે તો કોઈ વિરલા જ સમજી શકે છે. એટલે કે જે જ્ઞાની સંત પુરૂષો જ જાણે છે
કે આ સમગ્ર વિશ્વ તે પરમાત્મામાં જ વસેલું છે, પણ અજ્ઞાનીઓને તેની સમજ પડતી નથી. કારણ પાણીના બુંદની જેમ ઝીણો હોય, તેને સમજવો તેવાઓને માટે મુશ્કેલ લાગે છે.
જો તો કો કાંટા બુવે, તો કો તું બો ફુલ,
તો કુ ફુલપે ફુલ હય, વાં કો કાંટા સુલ.
જો કોઈ તને કાંટો
ભોંકે એટલે કે તને દુઃખી કરે, તેને તું ફુલ જ
આપજે. એટલે કે તેને સુખ લાગે તેમ જ વર્તજે. જેને દુઃખ આપવાની આદત છે, તેવાઓને કાંટાની શૂળ પર સુવું પડશે. એટલે કે ભવોભવના દુઃખો જ
મેળવવાના છે. જ્યારે તું તો સુખ સ્વરૂપ ફુલ હોય, તને સર્વ સમય સુખ જ સુખ થશે.
કબીર! સબ ઘટ મેરા સાંઈયાં, ખાલી ઘટ નહીં કોય,
બલિહારી ઉસ ઘટકી, જા ઘટ પરગટ હોય.
કબીરજી કહે! હરેક
શરીરોમાં મારો પરમાત્મા વસેલો છે. કોઈ એવું શરીર કે સ્થળ નથી, કે જે તેના વિના ખાલી હોય. પરંતુ બલિહારી તો તેની જ છે કે જેના
શરીરમાં તે પ્રગટ થયેલો હોય. અર્થાત્ જેણે તેને પોતાનામાં જ ઓળખી કાઢી તેને જ્ઞાન
થકી અનુભવ્યો હોય.
કબીર કા ઘર બાજારમેં, ગલ કાટ્યોંકે પાસ,
કરેંગે સો પાએંગે, તુમ ક્યોં ભયે ઉદાસ.
કબીરજીનું ઘર
બજારમાં જાનવરોનાં ગળાં કાપવા વાળા કસાઈની બાજુમાં છે. તેથી કબીરજી પોતાને કહે છે
કે એ લોકો જેવું કરશે તેવું ભોગવશે, તું શા માટે ઉદાસ રહે છે?
જ્યું તિલ માંહી તેલ હૈ, જ્યું ચકમકમેં આગ,
તેરા સાંઈ તુજમેં, જાગ શકે તો જાગ.
જેમ તલની અંદર
તેલ રહેલું છે કે જે જણાતું નથી. અને ચકમકના પથ્થરમાં આગ એટલે અગ્નિ રહેલો છે, તે પણ જણાતો નથી. તેમ જ તારો સાંઈ અર્થાત્ પરમાત્મા તારી અંદર
રહેલો છે, તેને વેળાસર જાગીને જ્ઞાન થકી મેળવી
લે.
માલા ફેરત જુગ ગયા, મીટા ન મન કા ફેર,
કર કા મનકા છોડ દે, મન કા મનકા ફેર.
માળા ફેરવી જપ
કરતાં કરતાં તારૂં આખું જીવન વહી ગયું. પરંતુ તારા મનમાં જરા પણ ફરક પડ્યો નથી.
અર્થાત્ હજુ પણ મોહમાયામાં સપડાયેલો રહ્યો છે. તેથી કહું છું કે હાથમાંની માળા
પડતી મૂકી, કોઈ સંત સદગુરૂ શોધી તેમની પાસે
તારા મનને કેવી રીતે શુદ્ધ કરવું તે જાણી મનનો મણકો ફેરવ, અર્થાત્ મન થકી તે જ્ઞાન પ્રાપ્ત કરી લે.
માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખમાંહી,
મનવા તો ચૌદીશ ફિરે, યે તો સુમિરન નાહી.
હાથમાં માળાના
મણકા ફરતા રહે, મુખમાં જીભ હરિનું નામ બોલતી રહે, પણ તારૂં મન તો ચારે દિશામાં ભટકતું હોય, તો હે ભાઈ, એ કંઈ તું પરમાત્માનું સ્મરણ કરતો
નથી. ઉલટાની તેની તું મશ્કરી કરે છે.
સાંસ સાંસ પર નામ લે, બિલખા સાંસ ન ખોય
ના જાને યહ સાંસ કા, આવન હોયે ના હોય.
તારા શ્વાસે
શ્વાસે પરમાત્માનું સ્મરણ કરતો રહેજે. મફતમાં તારા શ્વાસોને ખોઈ દઈશ નહી. ખબર નથી
કે આ ચાલતો શ્વાસ કઈ ઘડીયે બંધ પડી જાય. અને પાછો ચાલુ નહી થાય.
જાગો લોગો મત સોવો, ના કરો નિંદસે પ્યાર,
જૈસે સુપના રૈન કા, ઐસા યહ સંસાર.
હે લોકો! મોહ
માયાની નિંદ્રામાં પ્રેમથી સુઈ ન રહેતાં, હવે ચેતી જઈ જાગી જાવ. જાગ્રતમાં ભોગવાતો સંસાર તો આવેલું સ્વપ્ન
જેવો છે.
કહે કબીર પુકાર કે, દો બાતેં લીખ દે,
કર સાહેબ કી બંદગી, ભુખોં કો કછુ દે.
કબીરજી પોકારીને
કહે છે, કે તમે બે વાત મનમાંથી કદી કાઢશો
નહીં. તે એ કે હમેશાં પરમાત્માનું ધ્યાન ધરજો અને ભુખ્યાંઓને થાય તેટલી સહાય કરશો.
ચેત સવેરે બાવરે, ફિર પાછો પછતાય,
તુજકો જાના દૂર હય, કહે કબીર જગાય.
કબીરજી તને
જગાડીને કહે છે કે હે બાવરા, તું જેમ બને તેમ
જલ્દી વેળાસર ચેતી, પરમાત્માના રસ્તે ચાલવા માંડ. કારણ
એ રસ્તો ઘણો દૂર લાંબો છે. નહીં તો તારે છેવટે પસ્તાવું પડશે.
સાંઈ ઈતના દીજીયે, જામેં કુટુંબ સમાય,
મેં ભી ભૂખા ના રહું, સાથ ન ભૂખા જાય.
હે પરમાત્મા!
તારી પાસે આટલું માગું છું, કે જે આ સંસારના કુટુંબમાં હું
સલવાયેલો છું. તેમાં હું ભૂખો નહીં રહું અને આ જે મારી સાથેનો સાથ છે, તે પણ ભૂખ્યા ન રહે.
કબીરા ખડા બજારમેં, માંગે સબકી ખેર,
ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર.
કબીરજી આ સંસારના
બજારમાં ઉભો રહી પરમાત્મા પાસે એ જ માંગે છે, કે તે બધાંને સદબુદ્ધિ આપે કે જેથી સર્વ સુખી થાય. કારણ મને તો કોઈ
એક સાથે નથી, દોસ્તીનો ભાવ, કે નથી કોઈ સાથે વેરભાવ.
કહના થા સો કહ દીયા, અબ કછુ કહા ન જાય,
એક રહા દૂજા ગયા, દરીયા લહેર સમાય.
જે કહેવાનું હતું
તે બધું જ મેં કહી દીધું, હવે કંઈ પણ કહી શકાય એમ નથી. હવે તો
જે પરમાત્મા સાથે જુદાઈ હતી તે ન રહેતાં હું તેની સાથે એક થઈ ગયો છું. જેમ
દરીયાનાં મોજાં તે દરીયામાં જ સમાય જાય, તેમ હું પરમાત્મામાં સમાય ગયો છું.
No comments:
Post a Comment